Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. Highschool - default

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

દાહોદ જિલ્લાનાં અંરિયાળ વિસ્તારમાં પંચમહાલ અને વડોદરા જિલ્લાની સરહદે આવેલ કેળકુવા ગામમાં નિરક્ષરતા ગરીબી તેમજ અજ્ઞાનતા અને અંધશ્રધ્ધા દૂર કરી શકાય તેમજ ગામના લોકોને રોજગારી તકો પૂરી પાડવાના હેતુસર મંડળના પ્રમુખશ્રી ચીમન ગુરૂજીએ ઇ.સ.૧૯૮0માં આ ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલની સ્થાપના કરેલ.

શાળાએ વિદ્યાનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જ્યાં શિક્ષણ, સંસ્કૃતિ અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા રોજગારીની તકો પ્રાપ્ત કરતા થાય. શાળામાં સાંસ્કૃતિક અને ઇત્તર પ્રવૃત્તિઓ, ઇકોક્લબની પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, પરીક્ષાનું આયોજન, ઉત્સવોની ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી-આચાર્ય શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુ સમાન છે.

શાળાના વિદ્યાર્થીઓને નૈસર્ગિક વાતાવરણમાં શાળાએ શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા કોમ્પ્યુટર યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અધિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

શાળામાં બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. કન્યા કેળવણીનું પ્રમાણ વધે, વિદ્યાર્થીઓ પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજે તેમજ બાળકો શિસ્ત, વિનય, વિવેક શીખે અને વ્યસનોની કુટેવોથી દુર રહે તે માટે શાળા સતત પ્રયત્નશીલ રહે છે. આજે જીવનમુલ્યોનું વિઘટન ખૂબજ ઝડપથી થઇ રહ્યુ છે. તથા સામાજિક જીવનમાં અરાજકતા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવા સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવનું નિર્માણ કરી શકે છે.

આજના યુગમાં શિક્ષણનાં સાધનો વધ્યા છે. ઇમારતો વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધી છે. ભનાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે. પરંતુ..... આમ છતાં સાચુ શિક્ષણ જાણે ખોવાઇ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષક પોતાના વિદ્યાર્થી - વિદ્યાર્થીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠ્યપુસ્તકોનું જ્ઞાન આપવાની સાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મૂલ્યો અને જીવનનાં આદર્શો પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જરૂરી છે.

ધ્યેય કથન

(૧) કેળકુવા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા બાળકો જાતિ ધર્મ કે કોમના ભેદભાવ સિવાય માધ્યમિક શાળામાં અભ્યાસ કરી બુનિયાદી તાલીમ મેળવે.

(૨) શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બુનિયાદી શિક્ષણ દ્વારા સ્વરોજગારી પ્રાપ્ત કરતાં શીખે.

(૩) આદિવાસી વિસ્તાર હોવાથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, શિક્ષિત સમાજ ઉભો કરવો.

(૪) શિક્ષણ દ્વારા સમાજમાં રહેલી અંધશ્રધ્ધાઓ, કુરિવાજો અને વહેમો દુર કરી સમાજમાં જાગૃતતા લાવવી.

(૫) શાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલવવી.

(૬) શળાની આજુબાજુનાં વિસ્તારની કન્યા કેળવણીનો વ્યાપ વધારવો વિસ્તારમાં આવેલી બાળાઓ માધ્યમિક શિક્ષણ મેળવે તેવા પ્રયત્નો કરવા.

(૭) વિજ્ઞાન શિક્ષણ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા પ્રયત્નો કરવા.

(૮) વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો ગુણ ખીલવવા પ્રયત્ન કરવા.

(૯) વિદ્યાર્થી પર્યાવરણનાં ઘટકોનું મહત્વ સમજે તથા પર્યાવરણની જાળવણીમાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવા.

(૧૦) શાળાના બાળકો શિસ્ત, વિનય, વિવેક શીખે અને વ્યસનો અને કુટેવોથી દુર રહે તેવા પ્રયત્નો કરવા.